આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં ફરીથી ધમાચકડી મચી જશે
અમદાવાદ, તા. 6 જૂન 2019 ગુરુવાર
કેન્દ્રમાં ગૃહ મંત્રી બન્યા બાદ અમિત શાહ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ પોતાનો મત વિસ્તાર નારણપુરામાં મતદારોનો આભાર માનવા માટે જાહેર સભાને સંબોધન કરશે. તેઓનો કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે.
લોકસભાની ચૂંટણી બાદ તેઓ નારણપુરામાં આવવાના હતા પરંતુ વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ બની જતા અને અમિત શાહ પણ તેમની સાથે જ આવતા તેઓ નારણપુરામાં જાહેર સભાને સંબોધી શક્યા ન હતા. આ બંને નેતાઓએ ખાનપુરમાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે વિશાળ જાહેર સભા કરી હતી.
હવે અમિત શાહ એકલા પોતાના લોકસભાના મતવિસ્તાર અને ભૂતકાળમાં ધારાસભ્ય પદેથી જ્યાંથી ચૂંટાયા હતા તેવા નારણપુરા ખાતેથી તેઓ લાય સભા સંબોધશે.
સૂત્રો જણાવે છે કે રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસના એક ડઝનથી વધુ ધારાસભ્યોને તોડવા માગે છે તે માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. સરકારના જે-તે મંત્રીઓને તેમજ સંગઠનના વિશ્વાસુ નેતાઓને કોંગ્રેસના ધારાસભ્યો તોડવાની જવાબદારી સોંપી દેવાઇ છે જણાવે છે કે અમિત શાહ સંબોધે એ સમયે પણ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો અને આગેવાનો ભાજપમાં જોડાઈ તેવી શક્યતાઓ પણ છે.
અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની ખાલી પડનારી રાજ્ય સભાની ગુજરાતની બંને બેઠકો કબજે કરવાનો વ્યૂહ ભાજપનો છે. જેના માટે અમિત શાહ એ પૂરી તાકાત લગાવી દીધી છે. જેને લઇને આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં ફરીથી ધમાચકડી મચી જશે.
No comments: