ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની રેસમાં જે પી નડ્ડા સૌથી આગળ
નવી દિલ્હી, તા.2 જૂન 2019, રવિવાર
ભાજપ અધ્યક્ષ અમિત શાહ હવે મોદી સરકારમાં ગૃહ મંત્રી બની ગયા છે. જેના પગલે તેઓ અધ્યક્ષનો હોદ્દો છોડી દેશે.
આ સંજોગોમાં તેમનુ સ્થાન કોણ લેશે તેની અટકળો ભાજપમાં અને રાજકીય મોરચે શરૂ થઈ ગઈ છે. નવા ભાજપ પ્રમુખ બનવાની રેસમાં અગાઉની મોદી સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી રહી ચુકેલા જે પી નડ્ડાનુ નામ સૌથી આગળ ચાલી રહ્યુ છે.
જેપી નડ્ડા એક સમયે ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રિય અધ્યક્ષ પણ હતા. સામાન્ય રીતે લો પ્રોફાઈલ રહેતા નડ્ડાને ભાજપના સંકટ મોચક તરીકે પણ ઓળખવામાં આવે છે. યુપીમાં લોકસભાની ચૂંટણીમાં જે પી નડ્ડાને મોટી જવાબદારી સોંપાઈ હતી. તેમની સાથે ગુજરાત ભાજપના ગોરધન ઝડફિયા પણ હતા. આ જોડીએ ભેગા થઈને ભાજપને 64 બેઠકો અપાવી છે.
નડ્ડા મૂળે હિમાચલ પ્રદેશના છે અને 2014માં લોકસભા ચૂંટણીમાં મળેલી જીત પછી પણ પાર્ટી અધ્યક્ષની રેસમાં હતા. જોકે તે વખતે તેમને કેબિનેટ મિનિસ્ટર બનાવાયા હતા. તેમના પિતા પટણા યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર રહી ચુક્યા છે. એબીવીપીમાં વિદ્યાર્થી નેતા તરીકે તેમણે કેરિયરની શરુઆત કરી હતી. 1991માં 31 વર્ષની વયે તેઓ ભાજપના યુવા મોરચના રાષ્ટ્રિય અધ્યક્ષ બન્યા હતા.
હિમાચલ પ્રદેશમાં ભાજપની સરકાર બની ત્યારે પણ તેઓ મંત્રી તરીકે રહી ચુક્યા છે. 2007 બાદ તેઓ પાર્ટી સંગઠનમાં કામ કરવા માંડ્યા હતા.
નડ્ડા પ્રમુખ બને તો પણ તેમની સામે પડકારો ઓછા નથી. 2019માં મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં ચૂંટણી યોજાવાની છે. આ સંજોગોમાં તેમણે પણ અમિત શાહે સફળતાના જે માપદંડો સ્થાપિત કર્યા છે તેને અનુરૂપ દેખાવ કરવો પડશે.
No comments: