જાણો EVM અને VVPAT જ્યાં રાખવામાં આવે છે એ સ્ટ્રોંગ રૂમ વિશે
નવી દિલ્હી, તા. 23 મે 2019, ગુરુવાર
આજે લોકસભાની ચૂંટણીની મતગણતરી ત્યારે EVMની હેરાફેરીની કેટલીક ફરિયાદોના કારણે EVM અને VVPAT મશીનો જ્યાં રાખવામાં આવે છે એ સ્ટ્રોંગ રૂમ પણ ચર્ચામાં આવી ગયા છે. તો આવો જાણીએ કે આ સ્ટ્રોંગ રૂમ શું છે?
સામાન્ય રીતે તમામ લોકોને એ તો ખ્યાલ હોય જ છે કે મતદાન બાદ મતોને સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવે છે. સૌથી પહેલાં તો એ સવાલ થાય કે સ્ટ્રોંગ રૂમ ગમે તે ઇમારતમાં બનાવી શકાય કે નહીં? તો સ્ટ્રોંગ રૂમ હંમેશા સરકારી બિલ્ડીંગમાં જ બનાવી શકાય છે. આ સરકારી બિલ્ડીંગ પહેલેથી નક્કી કરી દેવામાં આવે છે.
સ્ટ્રોંગ રૂમને પસંદ કરતી વખતે પોલિંગ બૂથ, રાજકીય પાર્ટીઓ અને પોલીસમથકથી અંતરને ધ્યાનમાં રાખવામાં આવે છે. સ્ટ્રોંગ રૂમ નક્કી થયા બાદ તમામ ઉમેદવારોને લેખિતમાં સ્થળની માહિતી આપવામાં આવે છે. બિલ્ડીંગની પસંદગી થયા બાદ સ્ટ્રોંગ રૂમ પસંદ કરવામાં આવે છે.
સ્ટ્રોંગ રૂમ પસંદ કરવામાં માટે અમુક બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. જેમકે સ્ટ્રોંગ રૂમ કોઇ એવા સ્થળે ન હોય જ્યાં પૂરનું પાણી આવવાનું જોખમ હોય, જેમકે બેઝમેન્ટમાં, છતથી તુરંત નીચેના રૂમમાં, કિચન કે કેન્ટીન પાસે, કે પછી ચિલર પ્લાન્ટ પાસે, બિલ્ડીંગના વોટર ટેન્ક પાસે કે પછી ટોઇલેટ કે પેન્ટ્રી પાસે. સ્ટ્રોંગ રૂમ કોઇ સીડી કે બિલ્ડીંગના નીચલા હિસ્સા પાસે ન હોઇ શકે. સ્ટ્રોંગ રૂમ પાસે કોઇ અન્ડર કન્સ્ટ્રક્શન બિલ્ડીંગ ન હોવી જોઇએ જેથી કરીને પાણી કે અન્ય કોઇ રીતે EVMને નુકસાન થવાની સમસ્યા ન રહે.
સ્ટ્રોંગ રૂમ એવી કોઇ જગ્યાએ ન હોવો જોઇએ જ્યાં આગ લાગવાની શક્યતા હોય કે પછી કેમિકલનો ઉપયોગ થતો હોય. બિલ્ડીંગની સુરક્ષાની જવાબદારી પહેલેથી નક્કી કરવામાં આવે છે. સુરક્ષા ફોર્સ તમામ પ્રકારની ગતિવિધિ પર નજર રાખે છે.
સ્ટ્રોંગ રૂમમાં ટેકનિકલ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જેમકે ઇલેક્ટ્રીકલ સ્વીચ, એસી, LAN જેવી બાબતો ખાસ કરીને ચૂંટણી પંચના નિર્દેશોના આધારે બનાવવામાં આવે છે. એવી સુરક્ષા પણ કરવામાં આવે છે કે ઇલેક્ટ્રીકલ ઉપકરણો ફિઝિકલી કે વર્ચ્યુઅલી બહારથી કનેક્ટ ન થાય.
સ્ટ્રોંગ રૂમની આંતરિક સુરક્ષા માટે સેન્ટ્ર્લ પેરા મિલિટરી ફોર્સ તૈનાત કરવામાં આવે છે. તો સ્ટ્રોંગ રૂમની બહાર રાજ્ય સુરક્ષા દળોને નીમવામાં આવે છે. આ તમામ હથિયારોથી લેસ કમાન્ડો હોય છે. આ ઉપરાંત બિલ્ડીંગની આસપાસ સ્થાનિક સુરક્ષા દળો ચાંપતી નજર રાખે છે.
સ્ટ્રોંગ રૂમની સુરક્ષાની જવાબદારી જે-તે વિસ્તારના District Collectorate (DC) અને Superintendent of Police (SP)ના હાથમાં હોય છે જેમણે ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા દરેક નિયમનું સંપૂર્ણ જવાબદારી સાથે પાલન કરવાનું હોય છે. સ્ટ્રોંગ રૂમની 24*7 વીડિયોગ્રાફી પણ કરવામાં આવે છે.
No comments: