સુરત કરૂણાંતિકા: 'પપ્પા હું બારીમાંથી કુદી જાવ છું, મારો જીવ બચાવવાની કોશિશ કરીશ'

અમદાવાદ, તા. 25 મે 2019, શનિવાર
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગેલી ભીષણ આગમાં ચોથા માળે ચાલતા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા 23 વિદ્યાર્થીઓનાં કરૂણ મોત થયા હતા. ક્લાસિસમાં લાગેલી આગને કારણે રાજ્યનાં તમામ લોકો શોકની લાગણી અનુભવી રહ્યાં છે.
આ દુખદ ઘટનામાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. ઘટનામાં તક્ષશીલા આર્કેડની પાછળના ભાગે આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતી 16 વર્ષીય ક્રિષ્ણા ભીકડીયાએ પણ પોતાની જીંદગી ગુમાવી છે. તેની અંતિમ ક્ષણોમાં તેણે પોતાનાં પિતા સાથે વાત કરી હતી.
કોમ્પલેક્સના ચોથા માળે જવા માટેની લાકડાની સીડીમાં જ આગ લાગવાના કારણે ટ્યુશન ક્લાસમાં રહેલા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા અને તેમને બહાર નિકળવાનો કોઈ રસ્તો જ રહ્યો ન હતો. જો કે, તે જ સમયે મૃતક ક્રિષ્નાએ તેના પિતાને ફોન કર્યો હતો અને મૃતક ક્રિષ્ના અને તેના પિતા વચ્ચે થયેલી જીવનની આ છેલ્લી વાતચીત હતી. ગુજરાત સમાચાર મૃતક ક્રિષ્ના અને તેના પિતા વચ્ચે થયેલી વાતના અંશ અહીં રજુ કરે છે.
મૃતક ક્રિષ્નાએ પોતાના પિતાને ફોનમાં કહ્યું,‘પપ્પા અમારે ક્લાસિસના બિલ્ડિંગમાં આગ લાગી છે. નીચે જવા માટે લાકડાનો દાદરો પણ બળી ગયો છે. નીચે ઉતરવાનો કોઇ રસ્તો જ નથી. પપ્પા બધા બારીમાંથી નીચે કૂદી રહ્યાં છે. હું પણ બારીમાંથી કુદવા જાઉં છું. જીવ બચાવવાની કોશિશ કરીશ પપ્પા...'

ક્રિષ્નાનો ફોન કપાયા બાદ તેના પિતાએ ફરી ફોન કર્યો અને આ ફોન કપાયો કે તરત જ તક્ષશીલા બિલ્ડીંગની પાછળ રહેતા પિતા અને પરિવારજનો ત્યાં આવી ગયા હતાં. ક્રિષ્નાના પિતા ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે આગમાંથી બચાવાયેલા અને ચોથે માળેથી કુદેલા અને આગમાં ભડથું થયેલા લોકોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતાં. એટલે તેમણે તરત જ દીકરીને ફોન કર્યો હતો. પરંતુ આ વખતે દીકરી ફોન ઉપાડવા માટે દીકરી દુનિયામાં રહી ન હતી. કોઇ બીજા ભાઇએ ફોન ઉપાડીને કહ્યું કે, હું મારી દીકરી ક્રિષ્ણાને શોધુ છું. મેં એને ફોન કર્યો છે. ફોન ઉપાડનાર ભાઇએ કહ્યું કે, 'તમે પહેલા સ્મીમેર આવી જાવ. અત્યારે હું ત્યાં છું અને અહિં તક્ષશીલામાંથી આગમાં બળી ગયેલી તમામ બોડી આવી છે એ બોડી પાસેથી જ મને આ ફોન મળ્યો છે.'

આ કોચિંગ સેન્ટરના સંચાલક ભાર્ગવ બુટાણી, બિલ્ડિંગ બનાવનારા બિલ્ડર હર્ષલ વેકરિયા અને જિગ્નેશ સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ટ્યુશન ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણીની અટકાયત કરવામાં આવી છે.
સુરત કરૂણાંતિકા: 'પપ્પા હું બારીમાંથી કુદી જાવ છું, મારો જીવ બચાવવાની કોશિશ કરીશ'
Reviewed by GK Exam Guruji
on
May 25, 2019
Rating:
No comments: