સુરતની ઘટનાનો વિષાદ અને ભવિષ્યમાં આવું નિવારવાના પગલાની મક્કમતા સતત ચહેરા પર છલકાઈ
અમદાવાદ, તા.26 મે, 2019, રવિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જીત્યા પછી, પોતાની કારકિર્દીનું જ્યાંથી ઘડતર શરૃ થયું તેવા અમદાવાદના જે.પી. ચોક ખાતેના ભાજપ કાર્યાલય પાસે, સૌ પ્રથમ જાહેરસભા અને અભિવાદન કાર્યક્રમમાં સંબોધતાં અત્યંત વિનમ્ર છતાં, ભારતને નવી ઉંચાઈએ પહોંચાડવાના નિર્ધારની મક્કમ ભાષા સાથે સૌના દિલ જીતી લીધા હતા.
વિરોધ પક્ષો દ્વારા તેમની સામે અનેક આક્ષેપો વચ્ચે, વિપરિત સંજોગે લડેલી ચૂંટણી જંગી બહુમતીથી જીતવા છતાં ૩૦ મિનિટના વક્તવ્યમાં ક્યાંય કોઈ રાજકીય પક્ષ કે નેતા સામે કોઈ જ કટાક્ષ કે વ્યંગ કર્યા વિના, હારનારાનું પણ માન અને મોભો જાળવવાની અનન્ય ગરિમા દ્વારા તેમને ભારતની હજારો વર્ષની વૈદિક પરંપરાના ઉત્કૃષ્ટ મૂલ્યોના દર્શન કરાવ્યા હતા. ૧૩૦ કરોડની વસ્તીના વિશાળ દેશનાં લોકપ્રિય વડાપ્રધાનનું કદ કેવું હોય તેના વિરાટ દર્શન નરેન્દ્ર મોદીએ આજે સમગ્ર વિશ્વને એ રીતે કરાવ્યા હતા કે દરેક ભારતીયને પોતાની ભારતીયતા પર ગર્વ ઉપજે.
અન્યથા, એ પણ હકીકત હતી કે જે તેમનો પરાજય થયો હોત તો વિપક્ષો તેમના પર માછલા ધોવામાં કંઈ જ બાકી ન રાખત. એ જાણવા છતાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સૌમ્યતા, સજ્જનતા અને સૌહાર્દથી તે અંગે એક હરફ પણ ન ઉચ્ચાર્યો, એમાં તેમણે પોતાનું કદ અનેકગણું મોટું અને વધુ આદરપાત્ર કરી દીધું છે.
સ્ટેજ પર જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ બોલી રહ્યા હતા ત્યારે નરેન્દ્ર મોદી બાજુમાં બેઠેલા મુખ્યમંત્રી સાથે ચિંતાયુક્ત ચહેરે સતત જે વાતચીત કરી રહ્યા હતા, તે બેશક સુરતની કાળજુ કંપાવનારી ઘટના વિશે જ હોય અને હવે આવી ઘટના ન બને તે માટે દેશભરમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટની ઝડપી અને આધુનિક સીસ્ટમ લાવવા વિશે જ હોય, તેની પ્રતિતિ તેમના સંબોધનમાં તરત જ થઈ ગઈ.
તેમણે કહ્યું કે સુરતની ઘટનાથી કાળજુ કંપી ગયું છે ત્યારે આજે આ કાર્યક્રમ ચાલુ રાખવો કે રદ કરવો તે અંગે મને બહુ આંતરિક દ્વિધા હતી, પરંતુ સંપૂર્ણ સાદગીથી આ કાર્યક્રમ એટલે ચાલુ રાખ્યો કે પછી એવો સમય ક્યારે મળે એ નક્કી નહીં અને માતાના આશિર્વાદ પણ લેવા આવવાનું હતું.
સુરતની ઘટનાના મારી પાસે શબ્દો નથી, પરંતુ મેં મુખ્યમંત્રીને જરૃરી તમામ પગલાં લેવા સૂચના આપી છે. વડાપ્રધાને સમગ્ર વક્તવ્યમાં આ ચૂંટણીને પોતાની સફળતા ગણવાથી સંપૂર્ણ દૂર રહીને પક્ષના તમામ કાર્યકરો અને દેશની જનતાનો વિજય ગણાવ્યો હતો અને ખાતરી આપી હતી કે તમારા વિશ્વાસમાં ખરો ઉતરીશ.
તેમણે ભાજપ કાર્યાલયના જુના કર્મચારીઓ અને એ વખતના સીનીયર પત્રકારો સાથેની જુની યાદોને જીવંત રીતે વાગોળીને કેટલાક કર્મચારીને નામ સાથે યાદ કરીને અત્યંત સરળ અને સાહજીક વ્યક્તિત્વને પરિચય પણ આપ્યો હતો.
તેમના સમગ્ર વક્તવ્યમાં ૨૦૧૪ના વડાપ્રધાન કરતાં ૨૦૧૯ના વડાપ્રધાનમાં કાર્ય કરવાનો વીલ પાવર એ જ અડીખમ હોવા છતાં, એક અલગ જ નમ્રતા, કરુણા, વ્યક્તિના વિકાસ સાથે જ દેશ અને દુનિયાના વિકાસનો મંત્ર અને સંપૂર્ણ રીતે જોતાં વ્યાપક દ્રષ્ટિબિંદુના દર્શન થતા હતા.
No comments: