દેશના લોકોએ ફકીરની ઝોળી મતોથી છલકાવી દીધી' : મોદી
મોદી ઉપર વિશ્વાસ મૂકીને દેશની જનતાએ વિપક્ષોના જૂઠાણાનો જડબાતોડ જવાબ આપ્યો : ભાજપ પ્રમુખ અમિત શાહની ટ્વીટ
નવી દિલ્હી, તા.23 મે, 2019, ગુરૂવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની ઐતિહાસિક જીત થઈ તે પછી ભાજપના મુખ્યાલયમાં અસંખ્ય કાર્યકર્તાઓએ મોદી-શાહનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મોદીએ કાર્યકરોનો અને મતદારોને આભાર માનતા કહ્યું હતું કે દેશના લોકોએ આ ફકીરની ઝોળી મતોથી છલકાવી દીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ દિલ્હી સ્થિત પાર્ટીના મુખ્યાલયમાં પહોંચ્યા હતા. જ્યાં લાખો કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું. મોદી-શાહ ઉપર પુષ્પવર્ષા થઈ હતી. નરેન્દ્ર મોદીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને દેશભરમાં ફેલાયેલા કાર્યકરોને જીતનો શ્રેય આપ્યો હતો. વડાપ્રધાને રાજ્યોના ભાજપના પ્રમુખોનો અને તેમની ટીમનો પણ આભાર માન્યો હતો.
પ્રચંડ બહુમતી પછી ભાજપ વિનમ્રતા જાળવી રાખશે : મોદી
તેમણે દેશની જનતાનો આભાર માનતા કહ્યું હતું કે દેશના લોકોએ આ ફકીરી ઝોળી મતોથી છલકાવી દીધી છે. પીએમ મોદીએ કહ્યું કે ચૂંટણી વખતે જે બધું થયું તે હવે ભૂતકાળ બની ગયો છે. આપણે વિરોધીઓને પણ સાથે લઈને દેશના હિતમાં કાર્ય કરવાનું છે. પ્રચંડ બહુમતી સાથે આપણે વિનમ્રતા જાળવીને આગળ વધવાનું છે. બંધારણ આપણું સર્વસ્વ છે અને આપણે એ પ્રમાણે જ વર્તન કરીશું.
ભારતમાં હવે માત્ર બે જ જાતિનું અસ્તિત્વ છે. અન્ય જાતિઓના વાડામાંથી આપણે મુક્ત થવાનું છે. એક ગરીબોની જાતિ છે અને એક ગરીબોને તેમાંથી બહાર કાઢવાની કોશિશ કરતા લોકોની જાતિ છે. બધાએ સાથે મળીને દેશના વિકાસમાં કાર્યરત થવાનું છે અને દેશને નવી ઊંચાઈએ લઈ જવાનો છે.
આ વિજય માત્ર ભાજપનો નથી, આ વિજય દેશના ખેડૂતો, મજૂરો, વૃદ્ધો, કાર્યકરો, યુવાનોનો વિજય છે. મહેનત કરતા દરેકે દરેક દેશવાસીનો આ વિજય છે. આ ચૂંટણી એવી ચૂંટણી હતી જેમાં મોંઘવારી ન હતી એટલે વિપક્ષો તેનો મુદ્દો જ બનાવી શક્યા. ભ્રષ્ટાચાર ન થયો એટલે વિપક્ષો ભ્રષ્ટાચારનો મુદ્દો પણ ન બનાવી શક્યા. આ વિજય આપણા આત્મસન્માન, આત્મગૌરવનો વિજય છે.
પાંચ-સાત વર્ષથી બીમારીને કારણે તડપતા ઘણાં લોકોનો ઈલાજ શક્ય બન્યો છે અને એમના આશીર્વાદનો આ વિજય છે. આજે જો કોઈનો વિજય થયો હોય તો એ હિન્દુસ્તાનનો વિજય થયો છે. લોકતંત્રનો વિજય થયો છે. તમામ પક્ષોના વિજેતા ઉમેદવારોને મોદીએ અભિનંદન પાઠવીને સાથે દેશહિતમાં કાર્ય કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભાજપની બે સીટો હતી ત્યારે ય ભાજપ નિરાશ નહોતો થયો અને હવે ભાજપ પાસે ઐતિહાસિક બેઠકોનું સંખ્યાબળ છતાં ય ભાજપ નમ્રતા મૂકશે નહીં એવું મોદીએ કહ્યું હતું.
મતદારોએ વિકાસવાદ, રાષ્ટ્રવાદની પસંદગી કરી : અમિત શાહ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત ભાજપના મુખ્યાલયમાં ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર હતા. રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ, જેપી નડ્ડા, શિવરાજ સિંહ ચૌહાણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અમિત શાહે ભાષણમાં કહ્યું હતું કે વિપક્ષોના જૂઠાણાનો ભારતની જનતાએ જડબાતોડ જવાબ આપ્યો છે. યુપીમાં સપા-બસપાના જાતિવાદી ગઠબંધનને લોકોએ જાકારો આપ્યો છે અને દરેક રાજ્યમાં ભાજપને ૫૦ ટકા મતો મળ્યા છે. મતદારોએ નરેન્દ્ર મોદીના વિકાસના એજન્ડાને મત આપ્યો છે. અમિત શાહે નરેન્દ્ર મોદીને સર્વાધિક લોકપ્રિય નેતા ગણાવીને વડાપ્રધાનની પ્રશંસા કરી હતી.
અગાઉ નરેન્દ્ર મોદી અને અમિત શાહે ટ્વીટ કરીને આ ઐતિહાસિક વિજય બદલ આભાર માન્યો હતો. નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે આપણે સૌ સાથે મળીને દેશને સમૃદ્ધી તરફ લઈ જઈશું. સાથે મળીને દેશને નવી ઊંચાઈએ લઈ જઈશું. થેંક્યુ ઈન્ડિયા. અમિત શાહે પણ ટ્વીટ કરીને ભારતના મતદારોનો આભાર માનતા કહ્યું હતું કે વિપક્ષોના જૂઠાણાનો જનતાએ મોદી ઉપર વિશ્વાસ વ્યક્ત કરીને શાનદાર જવાબ આપ્યો છે. ભારતના મતદારોએ જાતિવાદ, પરિવારવાદ અને તૃષ્ટિકરણને જાકારો આપીને વિકાસવાદ અને રાષ્ટ્રવાદને પસંદ કર્યા છે.
No comments: