મોદીએ પોતાના નામ આગળથી ચોકીદાર શબ્દ હટાવ્યો


અમદાવાદ, તા. 23 મે 2019, ગુરુવાર

લોકસભાની ચૂંટણીમાં પોતાના દમ પર ભાજપને ભવ્ય વિજય અપાવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નામની આગળ મુકેલુ ચોકીદાર શબ્દને હટાવી લીધો છે. વડાપ્રધાનના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી  ચોકીદાર શબ્દને દુર કરાયો છે. એટલું જ નહી વડાપ્રધાને ભાજપના જે કોઇ નાના મોટા નેતાઓ કે મંત્રીઓએ પોતાના નામની આગળ ચોકીદાર લખ્યું હતું તેઓને પણ તેને હટાવી લે તેવી અપીલ કરી છે. મોદીએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી આ પ્રકારનો મેસેજ આપ્યો છે. મોદીએ પોતાના ટ્વીટમાં જણાવ્યું છે કે, ચોકીદાર શબ્દ ભલે હટાવી દેવાયો પરંતુ મારા દિલમાં ચોકીદાર શબ્દની ભાવના અને લાગણી રહેશે.

અત્રે નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં વિવિધ જાહેર સભામાં કોંગ્રેસના પ્રસિડેન્ટ રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા હતા. રાફેલ ફાઇટર જેટ વિમાનોની ખરીદીમાં મોદીએ મોટો ભ્રષ્ટાચાર કરીને પોતાના મિત્ર અનિલ અંબાણીને 30 હજાર કરોડ આપી દીધાનો આક્ષેપ રાહુલ ગાંધીએ અનેક વખત કર્યો હતો ત્યારબાદ  રાહુલે મોદીને 'ચોર'નું બિરુદ આપ્યું હતું, કારણ કે વડાપ્રધાન મોદીએ અનેક વખત જાહેરમાં કહ્યુ હતુ કે હું આ દેશનો ચોકીદાર છું અને દેશની તિજોરી પર કોઇનો પંજો પડવા દઇશ નહી.

મોદી અને અમિત શાહ દ્વારા  ગાંધી પરિવાર પર વારંવાર આકરા પ્રહારો કરાતા હતા જેને પગલે રાહુલ ગાંધીએ રાફેલ કૌભાંડનો હવાલો આપી ચોકીદાર ચોર હૈનો નારો આપ્યો હતો. જેની સામે વડાપ્રધાન મોદીએ પણ વળતો પ્રહાર કરી મૈં ભી ચોકીદાર એ પ્રકારનું સુત્ર આપ્યું હતું. એટલું જ નહી મોદીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ લખી નાખ્યો હતો. જેને પગલે અમિત શાહ અરૂણ જેટલી, રાજનાથ સિંહ ,સુષ્મા સ્વરાજ જેવા અનેક કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓએ પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ લખી દીધો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ સહિતના અનેક મંત્રી તથા ભાજપના આગેવાનોએ પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ લખી દીધો હતો પરંતુ હવે ચૂંટણી સંપન્ન થતા ખુદ મોદીએ જ પોતાના નામની આગળથી  ચોકીદાર શબ્દને હટાવી લીધો છે. મોદીની અપીલને પગલે ભાજપના મંત્રીઓ અને નેતાઓએ પણ પોતાના નામ આગળથી ચોકીદાર શબ્દને હટાવવાનું શરૂ કરી દીધું છે.


મોદીએ પોતાના નામ આગળથી ચોકીદાર શબ્દ હટાવ્યો મોદીએ પોતાના નામ આગળથી ચોકીદાર શબ્દ હટાવ્યો Reviewed by GK Exam Guruji on May 23, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.