નવી સરકારની રચના ટૂંકમાં : અમિત શાહનો કેબિનેટમાં સમાવેશ નક્કી
શિવસેના, જનતાદળને એક-એક મંત્રીપદ મળશે : તેલંગાણા, બંગાળ, ઓડિશામાંથી નવા મંત્રીઓ આવે તેવી શક્યતા
નવી દિલ્હી, તા. 24 મે, 2019, શુક્રવાર
ભાજપ-એનડીએને પ્રચંડ બહુમતી પછી હવે સરકાર રચવાની દિશામાં કાર્યવાહી આગળ વધી રહી છે. વડા પ્રધાન પદના ઉમેદવાર પહેલેથી જ નક્કી હોવાથી કેટલીક ફોર્માલિટી કરવા સિવાય ખાસ કરવાનું રહેતું નથી. વર્તમાન ૧૬મી લોકસભાની મુદત ૩ જુને પૂરી થાય છે. એ પહેલા રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન નહીં કરે તો ૩ જૂને આપોઆપ લોકસભા પૂર્ણ થયેલી ગણાશે.
દરમિયાન ભાજપના વિજેતા સાંસદો શનિવારે મળીને નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે ચૂંટી કાઢશે. એ પહેલા વર્તમાન સરકાર રાજીનામું આપશે. રાજીનામા સાથે વડા પ્રધાન અને સંસદિય કાર્યમંત્રી નરેન્દ્રસિંહ તોમર ટૂંક સમયમાં રાષ્ટ્રપતિને મળશે. ૩જી જુન પહેલા ૧૭મી લોકસભાની રચના માટે જરૃરી કાર્યવાહી પણ પૂર્ણ કરવાની રહેશે.
બીજી તરફ કેબિનેટમાં કોનો કોનો સમાવેશ થશે એ ચર્ચાનો મુદ્દો બન્યો છે. ચૂંટણી પહેલાથી જ મનાતું હતું કે ભાજપની બહુમતી સાથેની સરકાર આવશે તો અમિત શાહનો કેબિનેટમાં સમાવેશ થશે. દિલ્હીમાં અત્યારે વાત ચર્ચાઈ રહી છે, પરંતુ ભાજપ તરફથી એ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું. સંભવત અમિત શાહને ગૃહ મંત્રી કે પછી નાયબ વડા પ્રધાનનું પદ આપવામાં આવે એવુ પણ બને. એ સિવાય અમિત શાહને વિદેશ, નાણા કે પછી સંરક્ષણ જેવા મહત્ત્વના મંત્રાલય પૈકી એકાદ ફાળવાય એવી શક્યતા પણ ભાજપના સિનિયર નેતાઓ નકારતા નથી.
સુષ્મા સ્વરાજે પાંચ વર્ષ સુધી સક્રિયપણે કામ કર્યા પછી આ વખતે ચૂંટણી પહેેલા જ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. તેઓ મધ્ય પ્રદેશની વિદિશા બેઠક પરથી પ્રચંડ બહુમતી સાથે ૨૦૧૪માં ચૂંટાયા હતા. આ વખતે આરોગ્યના કારણોસર તેઓ ચૂંટણી લડયા ન હતા. માટે હવે તેઓ કેબિનેટમાંથી પણ નિવૃત્ત થશે.
પરંતુ કેબિનેટનો હિસ્સો નહીં જ બને એવો નિર્ણય હજુ સુધી આવ્યો નથી. અરૃણ જેટલી ૨૦૧૪માં હાર્યા હતા, પરંતુ તેમને રાજ્યસભામાંથી સાંસદ બનાવીને મંત્રાલય સોંપ્યુ હતુ. તેમનું આરોગ્ય પણ નબળું હોવાથી આગામી સરકારમાં તેમનો રોલ શું હશે એ ચર્ચાનો વિષય છે. એ પણ કદાચ કેબિનેટ પદે ચાલુ રહી શકે એમ બને.
નિર્મલા સિતારામન જો ખાસ ફેરફાર નહીં થાય તો અત્યારની માફક સંરક્ષણ મંત્રી તરીકે જ ચાલુ રહી શકે છે. બીજી તરફ સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને હરાવ્યા હોવાથી તેમનું કદ વધ્યું છે. માટે હવે તેમને એ પ્રમાણે સિનિયર મંત્રાલય સોંપાય એવી શક્યતા છે.
અગાઉની કેબિનેટમાં હતા એ રાજનાથસિંહ, નિતીન ગડકરી, રવિશંકર પ્રસાદ, નરેન્દ્ર સિંહ તોમર, પ્રકાશ જાવડેકર, પિયુષ ગોયલ વગેરે મંત્રીઓ કેબિનેટમાં યથાવત રહેશે. એનડીએ હેઠળ ભાજપના સાથીપક્ષો તો ઘણા છે, પરંતુ શિવસેનાએ ૧૮ અને જનતાદળ (યુનાઈટેડ)એ ૧૬ બેઠકો મેળવી છે. માટે આ બન્ને મહત્ત્વના સાથીપક્ષોને એક-એક મંત્રીપદ સોંપવામાં આવે એવી શક્યતા છે.
આ વખતે ભાજપને પશ્ચિમ બંગાળ (૧૮), ઓડિશા (૮) અને તેલંગાણા (૪)માં પક્ષનું પર્ફોર્મન્સ સુધાર્યું હોવાથી આ ત્રણેય રાજ્યના પ્રતિનિધિઓને કેબિનેટમાં સ્થાન મળી શકે એમ છે. બીજી પેેઢીની નેતાગીરી તૈયાર કરવી એ કોઈ પણ પક્ષ માટે મહત્ત્વનો મુદ્દો છે. ભાજપની આ વખતની સરકારમાં નવી પેઢીમાંથી આશાસ્પદ કામ કરનારા યુવાઓને સ્થાન મળે એવી શક્યતા છે.
No comments: