સુરતના ટયુશન કલાસમાં ભીષણ આગ : 19નાં મોત
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 24 મે, 2019, શુક્રવાર
સુરતના વરાછા રોડ પર સરથાણા નેચરપાર્કની પાસે આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સ તક્ષશિલા આર્કેડના આજે ઢળતી બપોરે ચારેક વાગ્યાના અરસામાં ગ્રાઉન્ડ ફ્લોર પર દાદરના ભાગે ઇલેકટ્રીક શોટ સર્કિટથી આગ લાગી હતી.
જેમાં વિદ્યાર્થીઓ સહિત ૧૯ વ્યક્તિના કરુણ મોત નીપજ્યા હતા. જે પૈકી ૧૮ આગમાં જીવતી ભુંજાઇ ગઇ અથવા ગુંગળામણથી મૃત્યુ પામી હતી. જ્યારે એક વ્યક્તિ ત્રીજા માળેથી જીવ બચાવવા કૂદી પડતા મોત થયું હતું. આગને પગલે જીવ બચાવવા માટે ત્રીજા માળે આવેલા ટયુશન ક્લાસના વિદ્યાર્થીઓ સહિત ૧૦ જેટલા વ્યક્તિ ત્રીજા માળેથી નીચે કૂદી પડયા હતા.
દુર્ઘટનામાં ફાયરબ્રિગેડે ફસાયેલા ૧૮ વ્યક્તિને બહાર કાઢી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલાવ્યા હતા. ફાયર બ્રિગેડના સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ સરથાણા ખાતે પ્રાણી સંગ્રહલય નજીક તક્ષશિલા આર્કેડ નામે ચાર માળનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલુ છે.જેમાં ગ્રાઉન્ડ ફલોર વેલ્ડીંગની દુકાન અને પહેલા માળે દુકાનો, બીજા માળે ફેશનડીઝાનીગ ઇન્સ્ટીટયુટ, ત્રીજા માળે ટયુશન કલાસીસ અને ચોથા માળે હોલ આવેલો છે. આજે ઢળતી બપોરે ૪:૦૩ વાગ્યાના અરસામાં બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોર ઉપર લોખંડના દાદર પાસે ઇલેકટ્રીક શોર્ટ સકિટ થતા આગ ફાટી નીકળી હતી.
જોતજોતામાં આગ પ્રસરીને પહેલા, બીજા, ત્રીજા અને ચોથા માળે ડોમ સુધી પહોચી ગઇ હતી. આગ સાથે ધુમાડાના ગોટેગોટા થઇ જતા આખા કોમ્પ્લેક્સમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. લોકોએ જીવ બચાવવા આમતેમ દોડધામ શરૃ કરી દીધી હતી. ઘટના અંગે ફાયરબ્રિગેડને કોલ કરાતા ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ અને ઇશ્વરભાઇ પટેલ અન્ય ઓફિસરો અને લાશ્કરો સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. માનદરવાજા, ડુંભાલ, નવસારી બજાર, અડાજણ સહિતના ફાયર સ્ટેશનોની ગાડી અને બે હાઇડ્રોલીક પ્લેટફોર્મ સાથેની ગાડી તેમજ બુમ ફાયરફાઇટર ઘટને સ્થળે દોડાવાયા હતા.
લાશ્કરોએ આગ બુઝાવવા માટે પાણીનો છંટકાવ શરૃ કર્યો હતો. દરમિયાન ત્રીજા માળે જ્યાં ટયુશન ક્લાસીસ આવેલું છે. ત્યાં વિદ્યાર્થીઓ સહિત ૩૦થી વધુ વ્યક્તિઓ ફસાયેલી હતી. આગ સાથે ધુમાડાના ગોટેગોટા પણ નીકળતા હોવાથી વિદ્યાર્થી સહિત ૧૦થી વધુ જણા જીવ બચાવવા ત્રીજા માળેથી કૂદવા લાગ્યા હતા.
નીચે કૂદતા ઇજા પામેલાઓને સ્મીમેર અને કાપોદ્રાની ખાનગી હોસ્પિટલમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ખસેડાયા હતા. હાઇડ્રોલીક પ્લેટફોર્મ અને બુમ ફાઇટરની મદદથી ફાયર બિગ્રેડે પાણી છાંટવાની કામગીરી શરૃ કર્યાના દોઢ કલાક બાદ આગ કાબૂમાં આવી હતી. પણ ત્યાં સુધીમાં કોમ્પ્લેક્સમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સહિત ૧૮ જીવતા ભુંજાઇ ગયા હતા અથવા તો ધુમાડાની ગુંગળામણથી કરુણ મોત થયા હતા.
ફાયર બ્રિગેડે ૧૮ વ્યક્તિને અહીથી સલામત રીતે દાદર મારફત બહાર કાઢ્યા હતા. જ્યારે દાઝી ગયેલા ૧૮ સહિત ત્રીજા માળેથી કૂદી પડતા ઇજાગ્રસ્ત સહિત ૧૯ને વારાફરતી સ્મીમેરમાં ખસેડયા હતા. જ્યાં આ તમામ ૧૯ને ડોકટરે મૃત જાહેર કર્યા હતા.
ઉપર જવા માટેની એકમાત્ર લાકડાની સીડી સળગી જતા વિદ્યાર્થીઓ ફસાયા
ભીષણ આગ અને સીડી સળગી જવાના કારણે પોલીસ બચાવ કાર્ય માટે અંદર પ્રવેશ કરી શકી નહીં
( પ્રતિનિધિ દ્વારા ) સુરત, તા. 24 મે, 2019, શુક્રવાર
સરથાણા જકાતનાકા સ્થિત તક્ષશિલા કોમ્પલેક્ષમાં આગની ગોઝારી ઘટનામાં બનાવની જાણ થતાં જ વરાછા, કાપોદ્રા, સરથાણા તેમજ તે વિસ્તારમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં કેટલાક પોલીસ જવાનો ત્યાં દોડી ગયા હતા અને બચાવ કાર્ય કરવા માટે પહેલ કરી હતી. પરંતુ આગ એટલી ભીષણ હતી કે તેઓ અંદર પ્રવેશી શકયા જ ન હતા.
ફાયર બ્રિગેડે આગ ઉપર કાબૂ મેળવ્યા બાદ પોલીસ જવાનોએ પ્લાસ્ટિકના ઓગળતા પતરાઓની વચ્ચેથી મૃતદેહો બહાર કાઢવાની કામગીરી બજાવી હતી અને તે દરમિયાન કેટલાક પોલીસ જવાનો સામાન્ય દાઝી પણ ગયા હતા.
સુરતના સરથાણા જકાતનાકા સ્થિત તક્ષશિલા કોમ્પલેક્ષમાં આજે સાંજે આગની ગોઝારી ઘટના બનવા પામી હતી.ઘટના અંગે જાણ થતાં જ સરથાણા પોલીસ મથક ઉપરાંત વરાછા અને કાપોદ્રા પોલીસ મથકના જવાનો તેમજ નજીકમાં ફરજ બજાવતાં ટ્રાફિક શાખાના જવાનો સ્થળ ઉપર દોડી ગયા હતા અને ભીડને કાબુમાં રાખવાની સાથે સાથે બચાવકાર્ય માટે પણ પહેલ કરી હતી. પરંતુ આગ એટલી ભીષણ હતી કે પોલીસ જવાનો કોમ્પલેક્સમાં પ્રવેશી જ શક્યા ન હતા. ફાયર બ્રિગેડે આગ ઉપર કાબૂ મેળવ્યા બાદ પોલીસ જવાનોએ આગથી પીગળતા પ્લાસ્ટિકના પતરાઓની વચ્ચેથી ઘટનામાં મોતને ભેટેલા વિદ્યાર્થીઓ અને અન્યોના મૃતદેહને બહાર કાઢવાની કામગીરી કરી હતી. તે સમયે કેટલાક પોલીસ જવાનો સામાન્યપણે દાઝી ગયા હતા.
રેસ્ક્યુ ઓપરેશન માટે દોડી ગયેલા સરથાણા પોલીસ મથકના એક પોલીસ જવાને જણાવ્યું હતું કે આગ લાગતાં ઉપર જવા માટેની એક માત્ર લાકડાની સીડી સળગી ગઈ હતી. પરિણામે ઉપર જવા માટે કે નીચે ઉતરવા માટે કોઈ રસ્તો જ બચ્યો ન હતો. આથી બચાવ કાર્ય સંભવ થયું જ ન હતું. તેથી જ ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓએ ઉપરથી છલાંગ લગાવવાની નોબત આવી હતી.
અલોહા ક્લાસીસના પાંચ વિદ્યાર્થીને લોકોના ટોળાએ ઝીલી લીધા
આગ લાગી છે કહયા વગર ટીચર જતા રહયા અને અમે પાંચ છોકરા વારાફરતી ત્રીજા માળેથી કૂદયા
14 વર્ષના રામ વાઘાણી કહયું, અમે ક્લાસીસમાં 6 છોકરા હતા પાંચ કૂદયા પણ એકનો પત્તો મળ્યો નહોતો
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 24 મે, 2019, શુક્રવાર
આગ લાગી ત્યારે અમે અલોહાના મેથેમેટીક્સ ક્લાસમાં ૬ વિદ્યાર્થીઓ હતા પણ ત્યારે ટીચર અમને કહયા વગર ત્યાંથી જતા રહયા હતા.
બિલ્ડીંગમાં આગ લાગી છે તેવી જાણ પણ તેમણે અમને કરી નહોતી. પણ બાદમાં ધુમાડો ફેલાવા લાગતા અમને જીવ બચાવવા માટે બારી પાસે આવી ગયા હતા અને ત્યાંથી વારાફરતી નીચે કૂદતા નીચે ઉભેલા લોકોએ અમને ઝીલી લીધા હતા. જોકે, અમારી સાથેના એક વિદ્યાર્થીનો પત્તો મળ્યો નથી એમ તક્ષશિલા આર્કેડની આગમાં ત્રીજા માળે ફસાયેલા ૧૪ વર્ષીય રામ વાઘાણીએ જણાવ્યું હતું.
તક્ષશિલા આર્કેડમાં ત્રીજા માળે આવેલા અલોહા સેન્ટરમાં મેથેમેટીક્સ શીખવા માટે ૧૪ વર્ષીય રામ વાઘાણી પણ જતો હતો. આજે આગની ઘટના અંગે તેણે કહયું કે, આગ લાગી ત્યારે ૬ વિદ્યાર્થી ટયુશન ક્લાસમાં હતા. પણ ત્યારે એકાએક શિક્ષક અમને કંઇ કહયા વગર જતા રહયા હતા. તેમણે આગ લાગી છે તેવી સુચના પણ અમને આપી નહોતી. જોકે, આગ લાગ્યાની જાણ થતા અમે બચાવ માટેની તૈયારી કરવા લાગ્યા હતા. દાદર મારફત જઇ શકાય તેમ નહોતું ત્યાંથી ધુમાડો આવતો હતો. જેથી અમને ક્લાસીની રોડ તરફની બારી પાસે પહોંચી ગયા હતા.
અને નીચે લોકોનું ટોળું એકત્ર થયેલું હોવાથી કૂદવા માટેની તૈયારી કરી લીધી હતી. અમે વારાફરતી પાંચ છોકરા કૂદી ગયા અને લોકોએ અમને ઝીલી લીધા હતા. ત્યારબાદ અન્ય બે યુવતી પણ કૂદી હતી તેને પણ લોકોએ ઝીલી લેતા બચી ગઇ હતી. પણ અમારી સાથેના ૬ પૈકી પાંચ જ છોકરા નીચે જોવા મળ્યા હતા. એક છોકરાનો પત્તો મળ્યો નહોતો.
ભયાવય દ્રશ્ય: મૃતદેહો જમીન સાથે ચોંટી ગયેલા હતા, બાળકોને ઓળખવા પણ મુશ્કેલ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 24 મે, 2019, શુક્રવાર
તક્ષશિલા આર્કેડમાં ગોઝારી ઘટના વેળા હાજર અમુક લોકોે જ્યાં દુર્ઘટના બની ત્યાં પહોંચી ગયા હતા. તે પૈકી ઘટના નજરે જોનાર સુનિત ઠુમ્મરે કહયું કે, બિલ્ડીંગમાં ઉપરનું દ્રશ્ય જોઇ શકાય તેમ નહોતું. મૃતદેહો જમીન સાથે ચોંટી ગયા હતા. બાળકોને કઇ રીતે ઓળખી શકાશે તે પણ એક સવાલ છે. ભયાવહ દ્રશ્ય અને બાળકોની અવદશાનું વરવું દ્રશ્ય આંખો સામેથી હટતું નથી.
બેકાબૂ લોકટોળાનો ભારે આક્રોશ: તંત્રની બેદરકારીના આક્ષેપો સાથે નારાબાજી
આગની ઘટના બાદ સરથાણા જકાતનાકા પાસે લોકોના ટોળા ઉમટી પડયા હતા. રસ્તોઓ આખા ભીડથી પેક થઇ ગયા હતા. રોષે ભરાયેલા લોકોએ અવાર-નવાર વહીવટીતંત્ર વિરુધ્ધ નારાબાજી કરી હતી. તંત્રની બેદરકારી અંગે પણ આક્ષેપો કરીને આક્રોશ ઠાલવ્યો હતો. બેકાબૂ ભીડને કાબૂમાં કરતા પોલીસના નાકે દમ આવી ગયો હતો. છેવટે દુર્ઘટના સ્થળ એવા તક્ષશિલા આર્કેડને કોર્ડન કરીને ભીડને અહીથી દુર કરાઇ હતી. જોકે, ભીડમાં લોકોનો આક્રોશ સંભળાતો રહયો હતો.
આગની વાત સાંભળીને વાલીઓ સંતાનોને શોધવા દોડયા
સુરતના સરથાણા વિસ્તારની તક્ષશિલા બિલ્ડીંગમાં આગ લાગવાની ખબર પડતાં જ ટયુશન ક્લાસમાં ભણવા જતાં વાલીઓ પોતાના બાળકોને શોધવા માટે દોડયા હતા. આ બિલ્ડીંગમાં આગ લાગી તેના ટેરેસ પર ડોમ બનાવવામાં આવ્યો છે તેમાં ફેશન ડિઝાઈનીંગ, ટયુશન ક્લાસીસ અને અલોહા અને જીમ ચાલતા હતા. ધો. ૧૧-૧૨ના વિદ્યાર્થીઓ ટયુશન આવ્યા હતા તે ટયુશન ક્લાસીસમાં આગ લાગતાં વાલીઓ દોડતાં તથયાં હતા.
વાલીઓ સીધા તક્ષશિલા બિલ્ડીંગમા ંઆવ્યા પણ તે પહેલાં તો કેટલાક બાળકો ઉપરથી કુદી પડયા હતા અને કેટલાક નીચે આવ્યા હતા તો કેટલાક આગમાં ફસાયા હતા. બેબાકળા બનેલા વાલીઓએ પોતાના બાળકોની શોધખોળ કરી તો હાજર રહેલાં કોર્પોરેટર વિજય પાનસુરીયાએ વાલીઓને શાંતવન આપીને સ્મીમેર અને પીપી સવાણી હોસ્પીટલમાં બાળકોને લઈ ગયાં છે ત્યાં જઈને શોધવા જણાવ્યું હતું. આગ લાગવાની દુર્ઘટના બાદ કેટલાક નગર સેવકો આવી ગયા ંહતા.
દાદરના ભાગે આગ હોવાથી જીવ બચાવવા ચોથા માળેથી કૂદેલા આઠને ગંભીર ઇજા
આરંભમાં ફાયર બ્રિગેડ પાસે હાઇડ્રોલીક પ્લેટફોર્મ નહોતું, ઉપરથી કૂદનારાને ઝીલવા માટે કોઇ વ્યવસ્થા નહોતી
(પ્રતિનિધિ દ્વાર) સુરત, તા. 24 મે, 2019, શુક્રવાર
સુરતના સરથાણા પાસે તક્ષશિલા આર્કેડમાં આગ હોનારતમાં એપાર્ટમેન્ટના ચોથા માળે ભભૂકી ઉઠેલી ભીષણ આગ હોનારતમાં ૧૯ વ્યક્તિના મોત નિપજ્યા છે. લિફ્ટના અભાવે જીવ બચાવવા માટે ચોથા માળેથી કૂદવું પડયું હતું. તે અંગેના દ્રશ્યોના વિચલીત કર્યા વિડીયો પણ વાયરલ થયા છે. ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે બચાવની કાર્યવાહી હાથ ધરે તે પહેલાં ભભૂકી ઉઠેલી આગના ધૂમાડાના ગુંગળામણથી બચવા ફસાયેલા લોકોએ ચોથા માળેથી કુદકો મારીને જીવ બચાવવાના મરણીયા પ્રયાસો કર્યા હતા.
ફાયર બ્રિગ્રેડની લાશ્કરો પાસે પ્રારંભિક તબક્કે બિલ્ડીંગના ચોથા માળે પહોંચી શકે તેવી લેડર સીડી પણ નહોતી. તદુપરાંત તક્ષશિલા કોમ્પ્લેક્ષની નીચે પડતું મુકનાર લોકોને ઝીલવા માટે ચાદર કે બીજી કોઈ વ્યવસ્થા નહોતી. જેથી ચોથા માળેથી કૂદી પડેલા આઠેક વ્યક્તિને ગંભીર ઇજા થઇ હતી.
No comments: