જમ્મુ કાશ્મીરમાં સીમાંકનમાં ફેરફાર : અનામત લાગુ કરાશે

અમિત શાહની આગેવાનીમાં નિર્મલા સિતારામન, પિયુષ ગોયલ, એસ જયશંકર, ધર્મેન્દ્ર પ્રધાનની મહત્ત્વની બેઠક
નવી દિલ્હી, તા. 4 મે, 2019, મંગળવાર
અમિત શાહે મોદી સરકારની બીજી ટર્મમાં ગૃહ પ્રધાનનું પદ સંભાળી લીધુ છે જે સાથે જ તેમણે મંત્રીઓ અને અધિકારીઓની સાથે બેઠકો પણ શરૂ કરી દીધી છે.
મંગળવારે અમિત શાહે ગૃહ સચિવ રાજીવ ગૌબા, એડિશનલ સચિવ જ્ઞાનેશ કુમાર સમીત અનેક અધિકારીઓની સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કાશ્મીરને લઇને વિશેષ ચર્ચા થઇ હતી. હાલ કાશ્મીરમાં આતંકી હુમલા થઇ રહ્યા છે તેથી સુરક્ષા ઉપરાંત વિધાનસભામાં અનામત બેઠકો પર પણ વિચારણા કરવામાં આવી હતી.
છેલ્લા ઘણા સમયથી કાશ્મીર વિધાનસભામાં અનામત અંગે માગણી ઉઠી રહી હતી કે જેથી ત્યાં રહેતા અન્ય જાતી અને ધર્મના લોકોને પણ પોતાના પ્રતિનિધિ મળી રહે. હાલ અનુસુચીત જાતી માટે પણ અનામત બેઠકો ફોળવવામાં આવે તેવી વિચારણા સરકારમાં ચાલી રહી છે.
અનેક સ્થાનિક જાતીઓએ પણ પોતાના પ્રતિનિધિને વિધાનસભામાં સ્થાન આપવાની માગણીઓ કરી છે. હાલના સમય મુજબ કાશ્મીરમાં વિધાનસભાની ૪૬ બેઠક છે, જ્યારે જમ્મુથી ૩૭ અને લદ્દાખથી ચાર બેઠકો છે. હાલની આ પરિસ્થિતિને બદલવામાં આવી શકે છે.
અમિત શાહની બેઠકમાં અમરનાથ યાત્રાને લઇને પણ ચર્ચા વિચારણા ચાલી રહી છે, ઇદ ઉપર સુરક્ષા વ્યવસ્થા વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આતંકીઓ વિરુદ્ધ ઝિરો ટોલરન્સ નીતી સાથે કામ કરવામાં આવશે એટલે કે કોઇ પણ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવે અને આક્રામક રીતે ઓપરેશન ચલાવવામાં આવશે.
આ વર્ષે શરૂઆતના પાંચ મહિનામાં જ સૈન્યએ કાશ્મીરમાં ૧૦૦થી વધુ આતંકીઓને ઠાર માર્યા છે. હાલ સરકારે ૧૦ ખુંખાર આતંકીઓની હિટલિસ્ટ પણ જારી છે. અમિત શાહની આગેવાનીમાં અન્ય એક મંત્રીઓની બેઠક પણ યોજાઇ હતી. જેમાં નાણા પ્રધાન નિર્મલા સિતારમન, વિદેશ પ્રધાન એસ જયશંકર, કોમર્સ અને રેલવે પ્રધાન પિયુષ ગોયલ, પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહ્યા હતા. ઓઇલથી લઇને આર્થિક પરિસ્થિતિ તેમજ રેલવે અંગે આ બેઠકમાં ચર્ચા કરાઇ હતી.
વસતિના આધારે વિધાનસભા ક્ષેત્રોનું ગઠન કરવા વિચારણા
જમ્મુ કાશ્મીરમાં સિમાંકનની વિચારણા ચાલી રહી છે ત્યારે કેવા પ્રકારનું સિમાંકન હશે તેને લઇને પણ અટકળો ચાલી રહી છે. અહેવાલો પ્રમાણે વસતીના આધારે વિધાનસભા ક્ષેત્રોનું ગઠન કરવામાં આવી શકે છે. જો નવું સિમાંકન થાય તો હાલ જે બેઠકો છે તેમાં વધારો પણ થઇ શકે છે. કાશ્મીરમાં ૪૬, જમ્મુમાં ૩૭ જ છે તેથી જમ્મુમાં વધારો કરવામાં આવી શકે છે. મુળ રુપે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ૧૧૧ બેઠકો છે પણ ગણતરી ૮૭ની જ થાય છે બાકીની ૨૪ બેઠકો પાક હસ્તકના કાશ્મીર માટે છોડવામાં આવી છે. દર ૧૦ વર્ષે સિમાંકન જરુરી છે અને છેલ્લે ૨૦૦૫માં સિમાંકન કરવાનું હતું પણ ફારુક અબ્દુલ્લાએ ૨૦૦૨માં જ નવા સિમાંકન પર ૨૦૨૬ સુધી રોક લગાવી દીધી હતી. હાલ ઘાટીની એક પણ બેઠકમાં અનામત નથી તેથી અનામત લાગુ કરવા માટે પણ સિમાંકન કરવામાં આવી શકે છે.
No comments: