એકતરફી પ્રેમમાં પાગલ બનેવીએ સગર્ભા સાળીને જાહેરમાં સળગાવી

રાજકોટ,તા. 5 જૂન 2019, બુધવાર
એરપોર્ટ રોડ પર શિવાજીબાગ અને નરસિંહ મહેતા બાગની સામે રામેશ્વર ચોકમાં સ્થિત ચંદ્રનગર સોસાયટી-૧માં રહેતી એકતા હિતેષ ઉર્ફે અમીત મોટવાણી નામની ૨૫ વર્ષની સગર્ભા પરિણીતાને તેના એક તરફી પ્રેમમાં પાગલ કૌટુંબીક બનેવી ચેતન વનમાળીદાસ પલાણે (૪૦) સરાજાહેર પેટ્રોલ છાંટી સળગાવ્યા બાદ તેને બથ ભરી લેતા બંને સખ્ત રીતે દાઝી જતા સિવીલમાં ખસેડાયા હતા જ્યાં બંનેની હાલત ગંભીર ગણાવાય છે.
ગાંધીગ્રામ પોલીસે ચેતન કે જે રિક્ષા ચલાવે છે અને કાલાવડ રોડ પર રાણી ટાવર પાછળ વૃંદાવન સોસાયટી નજીક આરએમસી ક્વાર્ટરમાં રહે છે તેના વિરુદ્ધ ખૂનની કોશિષનો ગુનો નોંધી તપાસ જારી રાખી છે.
મૂળ ભાવનગરની એકતા મનોજભાઈ આહુજાના ચારેક વર્ષ પહેલા હિતેષ ઉર્ફે અમિત ગુરૂમુખદાસ આહુજા (૩૩) સાથે લગ્ન થયા હતા. હાલમાં એકતા ગર્ભવતી છે અને તેના પેટમાં પાંચેક માસનો ગર્ભ છે. હિતેષના કાકા કિશનચંદ તેની બાજુમાં જ રહે છે. તેની પુત્રી કવિતા સાથે ચેતને પ્રેમલગ્ન કર્યા હતા.
એકાદ વર્ષ પહેલા ચેતને કૌટુંબીક સાળા હિતેષને કહ્યું કે, તારી પત્ની એકતા સાથે મારે પ્રેમસંબંધ છે જેથી હિતેષે પત્ની એકતાને આ બાબતે પુછતા તેણે કહ્યું હતું કે ચેતન સાથે તેને કોઈ સંબંધ નથી. બલ્કે તે જ તેને સંબંધ રાખવા બળજબરી કરે છે. તેણે સંબંધ રાખવાની ના પાડતા એવી ધમકી આપી હતી કે તું સંબંધ નહીં રાખે તો તને બીજા સાથે પણ નહીં જીવવા દઉં તેમ કહી તેણે ચેતન પોતાને એકતરફી પ્રેમ કરતો હોવાનું અને સમાજમાં બદનામ કરવા ખોટી રીતે પ્રેમ સંબંધની વાતો ફેલાવતો હોવાનું કહેતા રોષે ભરાયેલા હિતેષે, ચેતનને પોતાના ઘરે નહીં આવવા અને પોતાને તથા પત્નીને નહીં બોલાવવા ચેતવણી આપી હતી.
આ ઘટનાક્રમ બાદ ચેતન તેમના ઘરે આવતો બંધ થઈ ગયો હતો. આજે બપોરે એકતા ઘર બહાર શાકભાજીની લારીમાંથી ખરીદી કરી રહી હતી અને સાથે કાકીજી સાસુ રાધાબેન પણ શાક ખરીદતા હતા.
એવામાં બાઈક પર ચેતન ધસી આવ્યો હતો. તત્કાળ તેણે એક બોટલમાં પોતાના બાઈકમાંથી પેટ્રોલ કાઢ્યા બાદ લારી નજીક ઉભેલી એકતા ઉપર અચાનક પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી દીધા બાદ સળગતી હાલતમાં તેને બથ ભરી લેતા દેકારો મચી ગયો હતો.
પાડોશીઓ આ દ્રશ્યો જોઈ હતપ્રભ થઈ ગયા હતા. તેમણે ભડભડ સળગતી એકતા અને ચેતન ઉપર કપડા ઓઢાડી ઠારી અને બંનેને છૂટા પાડી ઘરમાં લઈ ગયા હતા. કોઈ પાડોશીએ જાણ કરતા ૧૦૮ આવી પહોંચી હતી. જેમાં બંનેને સિવિલમાં ખસેડાયા હતા. હાલ બર્ન્સ વોર્ડમાં બંને દાખલ છે. એકતા ૯૦ ટકા અને ચેતન ૭૦ ટકા દાઝી ગયાનું તબીબોએ પોલીસને કહ્યું હતું.
ગાંધીગ્રામ પોલીસે એકતાના પતિ હિતેશને ફરિયાદી બનાવી ગુનો દાખલ કર્યો હતો. તે ત્રણ બહેનોનો એકલૌતો ભાઈ છે. ત્રણેય બહેનો પૂજાબેન, સીમાબેન અને પ્રિયાબેનના જામનગર લગ્ન થયેલા છે. તે મોટી ટાંકી ચોકમાં તિરૂપતિ કુરીયરમાં ડિલીવરીમેન તરીકે નોકરી કરે છે. તેના પિતા કટલેરીની ફેરી કરે છે. બપોરે બનાવની જાણ થતા તે ઘરે દોડી આવ્યો હતો.
તેણે પોલીસને કહ્યું કે, ચેતન સાથે તેમણે સંબંધો કાપી નાખતા તેનો ખાર રાખી તેણે આ કૃત્ય કર્યું છે.
No comments: