આસામથી અરૂણાચલ જઈ રહેલું એરફોર્સનું AN-32 વિમાન 13 મુસાફરો સાથે ગુમ

વાયુસેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું : આઠ ક્રુ મેમ્બર્સ અને પાંચ મુસાફરો વિમાનમાં સવાર હતા
(પીટીઆઈ) ઈટાનગર, તા. 3 જૂન, 2019, સોમવાર
આસામના જોરહાટથી અરૂણાચલના મેચુકા જઈ રહેલું એરફોર્સનું એએન-૩૨ વિમાન ૧૩ મુસાફરો સાથે ગુમ થઈ ગયું હતું. એરફોર્સે આ વિમાનને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકો પછી પણ વિમાનના કોઈ જ સંકેત મળ્યા નથી. તૂટી પડયું હોય એવી પણ નિશાની મળી નથી. આસામથી નીકળ્યા પછી વિમાન ૩૫ મિનિટ સુધી સંપર્કમાં રહ્યું હતું.
આસામના જોરહાટથી અરૂણાચલના મેચુકા જઈ રહેલું એરફોર્સનું વિમાન ૧૩ મુસાફરો સાથે ગાયબ થઈ ગયું હતું. આઠ ક્રુ મેમ્બર્સ અને પાંચ મુસાફરો આ વિમાનમાં સવાર હતા અને વિમાન ચીનને સ્પર્શતી સરહદ પાસેના લશ્કરી બેઝ સુધી પહોંચવાનું હતું. સામાન્ય રીતે વિમાનને જોરહાટથી મેચુકા પહોંચવામાં ૫૦ મિનિટ લાગતા હોય છે.
એરફોર્સે જણાવ્યું હતું કે ૧૨.૨૫ કલાકે આસામના જોરહાટથી વિમાને ઉડાન ભરી હતી અને છેલ્લે ૧ વાગે વિમાનનો સંપર્ક થયો હતો. તે પછી સંપર્ક કપાઈ ગયો હતો. જે સંભવિત સ્થળે વિમાન પહોંચ્યું હતું એ સ્થળો આસપાસ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જોકે, સર્ચ ઓપરેશન પછી પણ વિમાનના કોઈ સગડ મળ્યા ન હતા.
વાયુસેનાએ કહ્યું હતું કે વિમાન તૂટી પડયું હોય એવી જ્યાં જ્યાં શક્યતા હતી એ તમામ સ્થળોએ હેલિકોપ્ટર્સની મદદથી સર્ચ ઓપરેશન શરૂ થયું હતું, પણ વિમાનની કોઈ નિશાની જોવા મળી ન હતી. વાયુસેનાએ જણાવ્યું હતું એ પ્રમાણે ગ્રાઉન્ડમાં અને હવાઈ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વાઈસ એર ચીફ માર્શલ રાકેશ સિંહ ભદૌરિયા સાથે વાતચીત કરી હતી. તેમણે તમામ મુસાફરોની સલામતી માટે પ્રાર્થના કરી હતી અને સર્ચ ઓપરેશનનો અહેવાલ પણ મેળવ્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને આ બાબતે જાણકારી આપી હતી.
2016માં ગુમ થયેલા AN-32 વિમાનની ભાળ હજુ સુધી મળી નથી
ચેન્નઈથી પોર્ટ બ્લેયર જઈ રહેલું AN-32 વિમાન ૨૦૧૬માં અચાનક ગુમ થઈ ગયું હતું. તેમાં વાયુસેનાના ૧૨ જવાન, ૬ ક્રુ મેમ્બર્સ, નોકાદળનો એક સૈનિક, એક આર્મી જવાન અને એક જ પરિવારના આઠ સહિત નવ સભ્યો સવાર હતા.
૨૯ મુસાફરોને લઈને ગુમ થયેલા એ વિમાનનો કોઈ પત્તો મળ્યો ન હતો. તેના સર્ચ ઓપરેશનમાં ૧ યુદ્ધજહાજ, ૮ વિમાનને કામે લગાડાયા હતા. પરંતુ વિમાનના કોઈ જ સંકેત મળ્યા ન હતા. આ વિમાનનો ન તો કોઈ કાટમાળ મળ્યો ન તો કોઈ મુસાફરોની ભાળ મળી.
રશિયન બનાવટનાં બે એન્જિન ધરાવતા AN-32 વિમાનોની ખાસિયત
AN-32 વિમાનનું આખું નામ એન્ટોનોવ-૩૨ છે. આ લશ્કરી એરક્રાફ્ટમાં બે એન્જિન છે અને વિમાન ૫૫ ડિગ્રીથી વધુ તાપમાનમાં પણ ટેક ઓફ કરી શકવા સક્ષમ છે. ૧૪,૮૦૦ ફૂટ સુધીની ઊંચાઈએ AN-32 વિમાન ઉડી શકે છે. વિમાનમાં એક પાયલટ, એક સહપાયલટ, ગનર, નેવિગેટર અને એન્જિનિયર સહિત પાંચ ક્રુ મેમ્બર્સ ફરજિયાત સવાર હોય છે. વધુમાં વધુ ૫૦ મુસાફરો વિમાનમાં બેસી શકે છે.
AN-32 વિમાન ભારતીય વાયુસેનાના મધ્યમશ્રેણીની વિમાની સેવામાં સૌથી મહત્વના ગણાય છે. એરફોર્સ પાસે લગભગ ૧૦૦ જેટલા AN-32 વિમાનો છે. સામાન્ય રીતે આ વિમાનો ટ્રાન્સપોર્ટના કામમાં આવે છે. રશિયન બનાવટના આ મોડેલના ૨૪૦ જેટલા વિમાનો અત્યારે કાર્યરત છે. ભારત ઉપરાંત શ્રીલંકા, અંગોલા, યુક્રેનની વાયુસેનામાં પણ AN-32 વિમાનો કાર્યરત છે.
No comments: