કુદરત રૂઠી : ઉત્તર પ્રદેશ પર આંધીની આફત : 26નાં મોત


વાવાઝોડાથી અનેક કાચા મકાનો તબાહ : હિમાચલ, પ. બંગાળ, ઓડિશા, ઝારખંડ, બિહારમાં સામાન્ય વરસાદ


મધ્ય પ્રદેશના હોશંગાબાદમાં 46.8 અને રાજસ્થાનના ચુરુમાં 46.6 ડીગ્રી તાપમાન


નવી દિલ્હી, તા. 7 જૂન, 2019, શુક્રવાર

ઉત્તર અને મધ્ય ભારતમાં હિટવેવની મોટા પ્રમાણમાં અસર જોવા મળી રહી છે, તાપમાન ૪૫ ડીગ્રીથી પણ ઉપર પહોંચી ગયું છે. જીવલેણ તાપમાનની સૌથી વધુ અસર ઉત્તર પ્રદેશમાં જોવા મળી રહી છે. અહીં ધુળની મોટા પ્રમાણમાં ડમરીઓ ઉડી અને અનેક વિસ્તારોમાં વિજળી પણ પડી હતી. જેને પગલે ૨૬ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૬૫થી વધુ લોકો ઘવાયા છે.

આ પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ એક સપ્તાહ સુધી ઉત્તર ભારત અને મધ્ય તેમજ પશ્ચિમ રાજ્યોમાં હિટ વેવ જારી રહેશે. જેની અસર ગુજરાતમાં થવાની પણ શક્યતાઓ છે. આ ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં પણ હિટ વેવ જારી રહેશે. 

શુક્રવારે મધ્ય પ્રદેશના હોશંગાબાદમાં સૌથી ઉંચુ ૪૬.૮ ડીગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે રાજસ્થાનના ચુરુમાં ૪૬.૬ ડીગ્રી તાપમાન નોંધાયું હતંુ. જોકે આ કાળજાળ ગરમી વચ્ચે હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ જેવા કેટલાક રાજ્યોમાં સામાન્ય વરસાદ પડયો હતો જેને પગલે થોડી રાહત થઇ હતી.

દરમિયાન ઉત્તર પ્રદેશમાં વરસાદની સાથે ભારે વિજળી પડી હતી જેથી તેની લપેટમાં આવી જવાથી આશરે ૨૬ જેટલા લોકોના મોત નિપજ્યા હતા. વિજળી સાથે ધુળનું વાવાઝોડુ પણ આવ્યું હતું, જેથી અનેક વિસ્તારોમાં નુકસાન પણ પહોંચ્યું હતું. આશરે ૬૫થી વધુ લોકો ઘવાયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ અસર મૈનપુરીમાં થઇ હતી જ્યાં છ લોકોએ જીવ ગૂમાવ્યો હતો, ઇટાહ અને કાસગંજમાં છ, ફારુખાબાદ અને બારાબાંકીમાં બે, મોરાદાબાદ, બદાઉન સહીત ૧૦થી વધુ વિસ્તારોમાં એક એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ભારે પવન સાથે આવેલા વાવાઝોડાથી અનેક વિસ્તારોમાં વૃક્ષો પડી ગયા હતા. જેને પગલે પણ અનેક લોકો ઘવાયા છે.

પોલીસે જણાવ્યું હતું કે રાત્રે આ તબાહી થઇ હતી તેથી જે લોકો પોતાના કાચા મકાનમાં સુતા હતા તેમને દિવાલો પડી જવાથી કે છાપરા ઉડી જવાથી વધુ ઇજા પહોંચી હતી. આશરે ૫૦ જેટલા પશુઓ પણ માર્યા ગયા હતા. અનેક વિસ્તારોમાં વાવાઝોડાને કારણે વિજળી ગૂલ થઇ ગઇ હતી. જે પણ લોકો આ આફતમાં માર્યા ગયા છે તેમના પરિવારને ચાર લાખની સહાયની જાહેરાત સરકારે કરી હતી. 

એક સપ્તાહ સુધી હીટવેવની આગાહી 

હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ પણ ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભાગના રાજ્યોમાં એક સપ્તાહ સુધી હીટ વેવ જારી રહેશે. જેને પગલે લોકોને બપોરના સમયે સાવચેત રહેવાની સલાહ આપવામા આવી છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, દક્ષિણ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં પણ તેની અસર રહેશે. જે રાજ્યોમાં હાલ સામાન્ય વરસાદ પડયો છે ત્યાં પણ આગામી દિવસોમાં હિટવેવ રહેવાની શક્યતાઓ છે. 

ગ્લોબલ વોર્મિંગથી ઋતુ ચક્ર તુટયું 

ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુ તુટી ગયું છે, ગરમીની સીઝનમાં અતીશય ગરમી પડી રહી છે જ્યારે ઠંડીમાં બરફ પડી રહ્યો છે. ચોમાસાનું મોડુ શરૂ થવું એ પરથી એવુ અનુમાન લગાવાઇ રહ્યું છે કે જે ત્રણેય ઋતુનું ચક્ર હતું તે તુટી રહ્યું છે અને હવે તેની અસર માનવી પર વધી શકે છે. પ્રદુષણ વધી રહ્યું છે પરીણામે ગ્લોબલ વોર્મિંગ થઇ રહ્યું છે. ઉધ્યોગોનું વધી રહેલુ પ્રમાણ પણ ઋતુ તોડવાનું મોટુ કારણ માનવામાં આવે છે કેમ કે ઉધ્યોગોથી ફેલાતુ પ્રદુષણ વધી રહ્યું છે પણ સામે પક્ષે વૃક્ષો અને જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે. 

દિલ્હીમાં ચોમાસુ એક સપ્તાહ મોડુ શરૂ થશે 

મોટા ભાગના રાજ્યોમાં ચોમાસુ એક સપ્તાહ તો કેટલાક રાજ્યોમાં ૧૫ દિવસ મોડુ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. દિલ્હીમાં એક હવામાન વિભાગના દાવા પ્રમાણે નિશ્ચિત સમય કરતા ત્રણ દિવસ મોડુ શરૂ થશે જ્યારે ખાનગી હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર એક સપ્તાહ મોડુ શરુ થશે.



કુદરત રૂઠી : ઉત્તર પ્રદેશ પર આંધીની આફત : 26નાં મોત કુદરત રૂઠી : ઉત્તર પ્રદેશ પર આંધીની આફત : 26નાં મોત Reviewed by GK Exam Guruji on June 07, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.