મધ્યપ્રદેશમાં 2014ની મોદી લહેરનું 2019માં પુનરાવર્તન
ભોપાલ, તા. 23 મે 2019, ગુરૂવાર
ઉત્તરપ્રદેશ પછી હિંદી બેલ્ટમાં મહત્વના ગણાતા મધ્યપ્રદેશ રાજયમાં પણ 2014ની મોદી લહેરનું પુનરાવર્તન થયું છે. મઘ્યપ્રદેશની કુલ 29 લોકસભા બેઠકો માંથી ભાજપ 27 અને કોંગ્રેસ માત્ર 2 બેઠકો પર આગળ છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 113 બેઠકો મેળવીને સરકાર રચીને કમલનાથને મુખ્યમંત્રી પદ સોંપ્યું હતું. કમલનાથ પીઠ અનુભવી નેતા હોવાથી તેમના નેતૃત્વમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો થશે તે આશા ઠગારી નિવડી છે. કમલનાથ લોકસભા ચૂંટણીમાં કશું ઉકાળી શકયા નથી આથી 2014ની લોકસભા ચૂંટણીનું જ પરીણામ જળવાઇ રહયું છે.પ્રાપ્ત માહિતી મુજબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના કાર્યકરોમાં જે ઉત્સાહ જોવા મળ્યો હતો તેનો લોકસભા ચૂંટણીમાં અભાવ જોવા મળ્યો હતો.ખેડૂતોના દેવામાફીને મુદ્નો બનાવીને મુખ્યમંત્રી બનનારા કમલનાથ ખેડૂતોને લોકસભા ચૂંટણીમાં રીઝવી શકયા ન નથી.
2014માં કોંગ્રેસે છિંદવાડા અને ગુના બેઠક પર જીત મેળવી હતી. છિંદવાડા બેઠક કમલનાથનો ગઢ ગણાય છે તેઓ આ બેઠક પરથી 8 વાર સાંસદ તરીકે ચૂંટાયા છે જયારે આ વખતે છિંદવાડા બેઠક પર પુત્ર નકુલનાથને ટીકિટ આપી હતી.કમલનાથને કોંગ્રેસના અન્ય ઉમેદવારો કરતા છિદવાડા બેઠક પર પુત્રને જીતાડવાની વધારે ચિંતા હતી. કોંગ્રેસના પીઢ નેતાઓ કમલનાથ,જયોતિરાદિત્યા અને દિગ્વિજયસિંહમાં તાલમેલ અને મનમેળનો અભાવ જોવા મળતો હતો. ભોપાલ બેઠક પર દિગ્વિજયસિંહ સામે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મેદાનમાં ઉતારીને ભાજપે માસ્ટર સ્ટ્રોક માર્યો હતો. કોંગ્રેસના હિંદુ આતંકવાદના વલણનો પ્રચાર કરીને મતદારોમાં હિંદુત્વને ચાર્જ કરવામાં સફળતા મળી હતી. મધ્યપ્રદેશની ભોપાલ બેઠક ભાજપનો હંમેશા ગઢ રહી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ અને ભાજપમાં જોડાયેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર વચ્ચે જંગ જામ્યો હતો. કોંગ્રેસ અને ભાજપે આ બેઠક પરની હાર જીતને વિચારધારાની લડાઇ ગણાવી હોવાથી તેના પરીણામ પર સૌની નજર હતી.
રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં ખૂબ સભાઓ સંબોધી પરંતુ ન્યાય યોજના અને કોગ્રેસના ચૂંટણી ઢંઢેરાને લોકો સુધી પહોંચાડવામાં મધ્યપ્રદેશ કોંગ્રેસ નિષ્ફળ રહી છે. જયોતિરાદિત્ય ગુના બેઠક પરથી ચૂંટણી લડી રહયા હતા પરંતુ તેમને રાહુલ ગાંધીએ ઉત્તરપ્રદેશના પશ્ચીમ ભાગના પ્રભારી બનાવીને 40 બેઠકો જીતવાની જવાબદારી સોંપી હતી.આથી મદ્યપ્રદેશમાં પોતાની ગુના બેઠક પર પણ ધ્યાન આપી શકયા નથી. આથી જ તો સિંધિયા પરીવારનો ગઢ ગણાતી ગુના બેઠક પર શરુઆતથી જ પાછળ ચાલી રહયા હતા.
No comments: