PM મોદીના શપથગ્રહણ સમારોહમાં 6000 મહેમાનોને આમંત્રણ
નવી દિલ્હી, તા. 29 મે 2019, બુધવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથગ્રહણ સમારોહ 30 મેના દિવસે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાવાનો છે ત્યારે સમારોહમાં ભાગ લેવા પાંચથી છ હજાર મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવનમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં મહેમાનો હાજરી આપશે. વડાપ્રધાન મોદી સાથે તેમનું મંત્રીમંડળ પણ શપથ લેશે.
અગાઉ એવું મનાતું હતું કે ભાજપને જે પ્રચંડ વિજય મળ્યો છે એ જોતાં શપથસમારોહ ભવ્ય હશે પરંતુ જાણવા મળ્યું છે કે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નિર્દેશો અનુસાર આ સમારોહ સાદગીપૂર્ણ અને ગરિમામય રહેશે. આ ચોથી વખત છે જ્યારે વડાપ્રધાનનો શપથગ્રહણ સમારોહ દરબાર હોલના સ્થાને રાષ્ટ્રપતિ ભવનમાં યોજાઇ રહ્યો છે. મહેમાનોની મોટી સંખ્યાને જોતાં સમારોહ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાશે. આમંત્રિત મહેમાનો માટે વેજ-નોનવેજ બંને પ્રકારના ભોજનની સગવડ ગોઠવવામાં આવશે.
આ શપથગ્રહણ સમારોહ 2014ના સમારોહ જેવો જ રહેશે. ઉલ્લેખનીય છે કે 2014માં વડાપ્રધાન મોદીના શપથગ્રહણ સમારોહમાં ચાર હજાર મહેમાનોએ હાજરી આપી હતી.
No comments: