માત્ર નવ દિવસમાં પેટ્રોલ 83 પૈસા, ડીઝલમાં 13 પૈસાનો વધારો

એપ્રિલ-મેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ વધ્યા હોવા છતાં ચૂંટણી ચાલી રહી હોવાથી ભાવ વધ્યા ન હતા
દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો 71.86 તથા એક લિટર ડીઝલનો ભાવ 66.69 થયો
મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ 77.47 અને ડીઝલનો ભાવ 69.88 થયો
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 28 મે, 2019, મંગળવાર
લોકસભા ચૂંટણીનો અંતિમ તબક્કો પૂર્ણ થતા જ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના શરૂ થઇ ગયા છે. છેલ્લા ૯ દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૭૦ થી ૮૦ પૈસાનો વધારો થયો છે. લોકસભા ચૂંટણીનો અંતિમ તબક્કો પૂર્ણ થયાના બીજા દિવસ એટલે ક ૨૦ મેથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના શરૂ થયા છે.
છેલ્લા ૯ દિવસમાં પેટ્રોલના ભાવમાં ૮૩ પૈસા અને ડીઝલના ભાવમાં ૭૩ પૈસાનો વધારો જોવા મળ્યો છે તે સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
એપ્રિલ અને મેે મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ વધ્યા હોવા છતાં ભારતમાં ચૂંટણી ચાલી રહી હોવાથી બંને ઇંધણના ભાવમાં વધારો જોવા મળ્યો ન હતો.
આજે પેટ્રોલના ભાવમાં ૧૧ પૈસા અને ડીઝલના ભાવમાં ૫ પૈસાનો વધારો જોવા મળ્યો હતો. દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૭૧.૦૩ રૂપિયાથી વધીને ૭૧.૮૬ રૂપિયા તથા એક લિટર ડીઝલનો ભાવ ૬૫.૯૬ રૂપિયાથી વધીને ૬૬.૬૯ રૂપિયા થઇ ગયો છે.
મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૭૭.૪૭ રૂપિયા અને ડીઝલનો ભાવ વધીને ૬૯.૮૮ રૂપિયા થઇ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારી ઓઇલ કંપનીઓ આઇઓસી, બીપીસીએલ, એચપીસીએલે ચૂંટણી દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના વધેલા ભાવનો બોજ ગ્રાહકો પર નાખવાનું ટાળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ કર્ણાટક, ગુજરાત, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મણિપુરની વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ સરકરી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવાનું ટાળ્યું હતું.
No comments: