મહારાષ્ટ્ર દિનની ઉજવણી વચ્ચે ગઢચિરોલીમાં નક્સલી હુમલામાં 16 જવાનો શહીદ
- સરકાર વિરુદ્ધ બેનરો લગાવીને દહેશત ઊભી કરી : લોકસભાની ચૂંટણીમાં મોટા પ્રમાણમાં મતદાન થતાં નક્સલીઓ વીફર્યાનું અનુમાન
મુંબઈ,તા.1 મે 2019, બુધવાર
જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં સીઆરપીએફના જવાનો શહીદ થયા હોવાની કમકમાટીભરી ઘટના હજી ભૂલાઈ નથી ત્યાં આજે રાજ્યભરમાં મહારાષ્ટ્ર દિનની ઉજવણી દરમિયાન જ ગઢચિરોલીમાં નક્સલવાદીઓએ જમીનમાં સુરંગ બિછાવીને વિસ્ફોટ કરતા ૧૬ જવાન શહીદ થઈ ગયા હતા. જેને લીધે શોકની લાગણી પ્રસરી ગઈ છે. નક્સલવાદીઓએ ગઈકાલે રાતે રસ્તાનું કામ કરતા કોન્ટ્રેક્ટરના ૩૬ વાહન, ઓફિસ સળગાવી દીધી હતી.
આ હુમલામાં અંદાજે ૧૫૦ નક્સલવાદી સામેલ હોવાનું કહેવાય છે. હાલ લોકસભાની ચૂંટણીમાં ગઢચિરોલીમાં લોકોએ મોટા પ્રમાણમાં મતદાન કરતા નક્સલવાદીઓ વિફર્યા હોવાની પણ ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટર દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી. તેમજ નક્સલવાદી હુમલાનો વિરોધ કર્યો છે.
ગઢચિરોલીમાં પુરાડા-માલેવાડા-યેરકડ હાઈવેનું કામ શરૃ છે. કુરખેડા તાલુકામાં દાદાપૂર ગામ પાસે ડાંબર પ્લાન્ટ છે. અહીં કોન્ટ્રેક્ટરના વાહનો અને બે ઓફિસ છે. ગઈકાલે રાતે દોઢસોથી વધુ સશસ્ત્ર નક્સલવાદી દાદાપૂર ગામમાં આવ્યા હતા. તેમણે કોન્ટ્રેક્ટરના જેસીબી સહિત ૩૬ વાહન, ઓફિસ આગ લગાડીને સળગાવી દીધી હતી. આ ઉપરાંત સંપૂર્ણ ગામમાં સરકારના વિરોધના બેનર લગાડયા હતા. જેને લીધે ગામના લોકોમાં ગભરાટ ફેલાય ગયો હતો.
બીજી તરફ આજે સવારે ૧૧.૩૦ વાગ્યે સી-૬૦ ફોર્સના જવાનો ખાનગી વાહનમાં કુરખેડાથી આગળ જઈ રહ્યા હતા. નક્સલવાદીઓને કદાચ આ બાબતની જાગા થઈ ગઈ હતી. કુરખેડાથી છ કિલોમીટરના અંતરે જાંભૂરખેડા ગામ પાસે નક્સલવાદીઓએ જમીનમાં સુરંગ બિછાવીને વિસ્ફોટ કરી જવાનોના વાહનો ઉડાવી દીધા હતા. આ સ્ફોટ એટલો જોરદાર હતો કે ડ્રાયવર સહિત ૧૬ જવાન શહીદ થઈ ગયા હતા અને વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આ હુમલાની જાણ થતા પોલીસ અને અન્ય જવાનો ઘટનાસ્થળે મદદ માટે પહોંચી ગયા હતા. આ ઉપરાંત નક્સલવાદીઓને પકડવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નક્સલવાદીઓ દ્વારા બિન્દાસ્તપણે જવાનો પર કરાતા હુમલાને લીધે સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલ ઉભો થયો છે.
અગાઉ ઘણી વખત પોલીસના ખબરી હોવાની શંકાથી નક્સલવાદીઓએ ગામમાં ઘૂસીને અનેક જણની હત્યા કરી છે.
હાલમાં નક્સલવાદીઓએ લોકસભાની ચૂંટણીનો વિરોધ કર્યો હતો. આમ છતા ગઢચિરોલીમાં મતદાન માટે મતદારોની લાંબી લાઈન લાગી હતી. અહીં મોટા પ્રમાણમાં મતદાન કરાતા નક્સલવાદીઓ રોષે ભરાયા હોવાનું કહેવાય છે.
ગઢચિરોલીમાં જવાનોની ગતિવિધિ પર બાજનજર રાખી નક્સલવાદીઓએ હુમલો કર્યો
ગઢચિરોલીમાં સી-૬૦ ફોર્સના જવાનોની ગતિવિધ પર બાજનજર રાખીને નક્સલવાદીઓએ વિસ્ફોટ કર્યો હોવાની શક્યતા છે. આ મામલાની પોલીસ તપાસ શરૂ છે. પોલીસે આ પરિસરમાં નક્સલવાદીઓને પકડવા ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
ગઢચિરોલીમાં દાદાપુર ગામમાં ગઈ કાલે રાતે રસ્તાનું કામ કરતા કોન્ટ્રેક્ટરની ૩૬ વાહન, ઓફિસ નક્સલવાદીઓએ સળગાવી દીધી હતી. આ બનાવની પોલીસને જાણ થઈ હતી. દાદાપુર ગામ અને આસપાસના વિસ્તારમાં નક્સલવાદી હોવાની માહિતી સિક્યુરિટી એજન્સીની મળી હતી. બાદમાં આ બાબતની જાણ સી-૬૦ ફોર્સના જવાનોને કરવામાં આવી હતી.
ખાનગી વાહનમાંજવાનો કુરખેડાથી છ કિલોમીટરના અંતરે જાંભૂરખેડા ગામ પાસે પહોંચ્યા હતા. ત્યારે જમીનમાં સુરંગ બિછાવીને વિસ્ફોટ કર્યો હતો. આ ધડાકામાં ૧૬ જવાન શહીદ થઈ ગયા હતા. નક્સલવાદીઓને જવાનોની ગતિવિધની માહિતી કેવી રીતે મળી એની પણ તપાસ શરૂ હોવાનું કહેવાય છે.
No comments: